October 5, 2024

અમદાવાદના નારોલમાં જમવાનું સ્વાદિષ્ટ ન બનતા પતિએ પત્નીને પતાવી નાંખી

મિહિર સોની, અમદાવાદઃ જમવાનું સ્વાદિષ્ટ નહીં બનાવતા પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી છે. પત્નીની હત્યા કરીને પતિ નારોલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને કહ્યું હતું કે, ‘મેં મારી પત્નીની હત્યા કરી નાંખી છે. લગ્નના 4 માસમાં જ કરુણ અંજામ આવ્યો છે. નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી પ્રદીપ વણકર છે. પત્ની પ્રજ્ઞાની હત્યા કરીને નારોલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ ઘટનાની વાત કરીએ તો, નારોલના શાહવાડી વિસ્તારમાં પ્રભુનગરમાં 7 સપ્ટેમ્બરની રાત્રે પત્ની પ્રજ્ઞાની ગળે ટૂંપો આપીને હત્યા કરીને આરોપી પતિ પ્રદીપ વણકર નારોલ પોલીસ સ્ટેશનમાં પહોંચીને પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. જેથી નારોલ પોલીસની એક ટીમ આરોપીને સાથે રાખીને નિવાસસ્થાને પહોંચી હતી. ત્યારે પ્રજ્ઞાની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. પતિ-પત્ની વચ્ચે જમવાનું સ્વાદિષ્ટ નહીં હોવાના કારણે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો ઉગ્ર થઈ ગયો કે પ્રદીપે પત્નીના દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાથી પરિવારમાં આક્રંદ હતો અને આરોપીને કડક સજાની માગ કરીને રોષ વ્યકત કર્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, 28 એપ્રિલ 2024ના રોજ પ્રજ્ઞાના લગ્ન મહેસાણાના પ્રદીપ વણકર સાથે સમાજના રીતિ રિવાજથી કરવામાં આવ્યા હતા. પ્રદીપ ગાંધીનગરમાં આવેલી BCBS ઇલેક્ટ્રિક પંખાની કંપનીમાં નોકરી કરે છે. જ્યારે મૃતક પ્રજ્ઞા વટવાની જ્ઞાન શાળામાં શિક્ષક હતી. લગ્નને 4 મહિનાનો સમય થયો છે. લગ્ન બાદ પતિ પત્ની મહેસાણાથી અમદાવાદ રહેવા આવ્યા હતા અને 15 દિવસ પહેલાં જ શાહવાડીમાં મકાન ભાડે રાખ્યું હતું. બંનેને પતિ પત્ની વચ્ચે મકાન અને જમવા બાબતે અવારનવાર તકરાર ચાલતી હતી. આ ઘટનાના દિવસે પણ રાત્રે 9 વાગે પ્રદીપ જમવા માટે બેઠો ત્યારે રસોઈ સ્વાદિષ્ટ નહીં હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ એકબીજાને મારવાનું શરૂ કર્યું હતું. જેમાં પ્રદીપે પત્નીની હત્યા કરી દીધી હતી. ઘર કંકાસમાં ફરી એક વખત દાંપત્યજીવનનો માળો વિખેરાઈ ગયો હતો. નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

નારોલ પોલીસે હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પતિ પત્ની વચ્ચેના જમવાના ઝઘડાએ ઘાતક સ્વરૂપ લીધું છે. સુખી જીવન જીવે તે પહેલા જ અંત આવી જતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.