November 4, 2024

અનૈતિક સંબંધના ઝઘડામાં હત્યા, પોલીસે 2 આરોપીની ધરપકડ કરી

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં અનૈતિક સંબંધના ઝઘડામાં હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મિત્રની મદદ કરવા ગયેલા યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. શાહીબાગ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે આ મામલે આરોપી મનીષ પટ્ટણી અને ગડુ પટ્ટણી ધરપકડ કરી છે. તેમણે મુકેશ પટ્ટણી નામના યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરી છે.  આ ઘટનાની વાત કરીએ તો, 6 ઓક્ટોમ્બરના રોજ મેઘાણીનગર વિસ્તારમાં મનીષ પટ્ટણી અને તેના કૌટુંબિકજનોએ આકાશ પટ્ટણી નામના યુવક સાથે ઝઘડાની અદાવતમાં હુમલો કર્યો હતો. આકાશ ઈજાગ્રસ્ત થતાં તેના બે મિત્રો મૃતક મુકેશ પટ્ટણી અને રાહુલ પટ્ટણી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારે મનીષ પટ્ટણી તેના કુટુંબીજનો સાથે હોસ્પિટલ પહોંચી ગયો હતો અને મુકેશને આકાશની મદદ કરવાની અદાવત રાખી છરીના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. શાહીબાગ પોલીસ મનીષ પટ્ટણી સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી બે આરોપી ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મનીષ પટ્ટણીની પત્ની રેખા અને આકાશ પટ્ટણી વચ્ચે પ્રેમ સબંધ ચાલતો હતો. આ અનૈતિક સબંધની જાણ મનીષને થતા તેણે આકાશને સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું. તે કુટુંબીજનો સાથે આકાશ ઘર નજીક મેઘાણીનગરના ચંદનનગર પહોંચ્યા હતા. આકાશ ત્યાંથી પસાર થતા તેની પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આકાશના મિત્રો રાહુલ અને મુકેશે તેને બચાવીને હોસ્પિટલ ખસેડ્યો હતો. તેની અદાવત રાખીને મનીષે રાહુલ અને મુકેશની હત્યા કરવા છરીથી હુમલો કર્યો હતો. તેમાં મુકેશનું મોત નિપજ્યું હતું અને રાહુલ અન્ય મિત્રો સાથે ફોર વ્હીલર ગાડીમાં પોતાના બચાવ માટે લઈને નીકળી ગયો હતો. તેથી તેઓ બચી ગયા હતા. આ ઘટનાને લઈ રાહુલ પટ્ટણીની ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.

શાહીબાગ પોલીસે બે આરોપી ધરપકડ કરી છે. અન્ય બે વોન્ટેડ આરોપી નાનું ઉર્ફે શેરવાલો અને અજય ઉર્ફે તલ્લી પકડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે હત્યાને લઈ અન્ય કોઈ કારણ છે કે કેમ તેને લઈ તપાસ શરૂ કરી છે.