November 4, 2024

છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષાકર્મીઓનું મોટું ઓપરેશન, 30 નક્સલવાદીઓ માર્યા ગયા

Chhattisgarh Encounter: નારાયણપુર જિલ્લામાં શુક્રવાર બપોરથી સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. માહિતી અનુસાર, સુરક્ષા દળો દ્વારા અત્યાર સુધીમાં 30 નક્સલવાદીઓ માર્યા છે. આવી સ્થિતિમાં, આટલી મોટી માત્રામાં નક્સલવાદીઓની હત્યાની ઘટનાને નક્સલવાદ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. હાલમાં પણ ગોળીબાર ચાલુ છે. સ્થળ પર હજુ પણ સુરક્ષા દળો તૈનાત છે. આ કાર્યવાહી અબુઝમલ વિસ્તારમાં કરવામાં આવી છે. સુરક્ષા દળોની ટીમમાં DRG અને STFના જવાનો પણ સામેલ છે.

નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટર થયું હતું
બસ્તર ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ એન્કાઉન્ટરની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ એન્કાઉન્ટર નારાયણપુર-દંતેવાડા જિલ્લાની સીમામાં અબુઝહમદના થુલાથુલી ગામમાં થયું હતું. અહીંના જંગલમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 30 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. સુંદરરાજે કહ્યું કે નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર સ્થિત અબુઝહમદ વિસ્તારમાં માઓવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી, ત્યારબાદ નારાયણપુર અને દંતેવાડા જિલ્લામાંથી સુરક્ષા દળોની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી અભિયાન માટે મોકલવામાં આવી હતી. આ ટીમમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ના જવાનો સામેલ હતા.

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહે NEETના વિદ્યાર્થીઓ માટે કરી મોટી જાહેરાત

જવાબી કાર્યવાહીમાં 30 નક્સલવાદીઓ માર્યા ગયા
તેમણે જણાવ્યું કે શુક્રવારે બપોરે લગભગ 1 વાગે નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ પછી જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ જવાબી કાર્યવાહીમાં જ 30 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે 30 નક્સલવાદીઓના મૃતદેહ સિવાય સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં AK 47 અને SLR સહિત અન્ય ઘણા હથિયારો જપ્ત કર્યા છે. એન્કાઉન્ટરમાં અત્યાર સુધી સુરક્ષા દળોના તમામ જવાનો સુરક્ષિત છે. હાલમાં આ વિસ્તારમાં સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો છે. જણાવી દઈએ કે બસ્તર ક્ષેત્રમાં અત્યાર સુધી સુરક્ષા દળોએ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 171 માઓવાદીઓને ઠાર કર્યા છે. આ ઉપરાંત આ અભિયાન આગળ પણ ચાલુ છે.